એક ગામમાં વશરામ ભુવા નામનો એક ખેડૂત રહેતો હતો. એને શાકભાજીની વાડી હતી. એ ગામમાં દલા તરવાડી નામનો એક કંજૂસ માણસ રહેતો હતો. એ હંમેશા ચીજ વસ્તુઓ સસ્તામાં જ ખરીદવાના રસ્તા શોધ્યા કરતો.
એક દિવસ દલા તરવાડી, વશરામ ભુવાની વાડી પાસેથી પસાર થતા હતા. એમણે જોયુંકે વાડીમાં કોઈ નહોતું. એમણે થોડું શાક ચોરી લેવાનું વિચાર્યું. તે રીંગણાંના છોડ પાસે ગયા.
એમણે પોતાની જાત સાથે જ વાત કરી કે ચોરી કરવી એ પાપ છે એટલે એમણે વાડીની સંમતિ લેવી જોઈએ.
એમણે વાડીને પૂછ્યું:
"વાડી રે વાડી!"
પછી એમણે જાતે જ વાડી તરીકે જવાબ આપ્યો:
"હા બોલો, દલા તરવાડી".
પાછા એમણે વાડીને પૂછ્યું:
"રીંગણાં લઉં બે ચાર?"
એમણે જાતે જ વાડી તરીકે જવાબ આપ્યો:
"લ્યોને ભાઈ દસ બાર!"
આમ એમણે થોડાં રીંગણાં લઇ લીધાં અને જાતે જ સંતોષ માન્યો કે એમણે રીંગણાંની ચોરી નથી કરી પણ વાડીની સંમતિ લીધી છે.
આ રીતે દલા તરવાડી દરરોજ વાડીમાંથી જુદા જુદા શાકભાજી લઇ જવા લાગ્યા. વાડીના માલિક વશરામ ભુવાએ જોયું કે દરરોજ એમની વાડીમાંથી થોડાં શાકભાજી ચોરાઈ જાય છે. આથી એમણે પહેરો ભરવાનું નક્કી કર્યું.
તેઓ એક વૃક્ષની પાછળ સંતાઈ ગયા અને જોવા લાગ્યા કે કોણ શાકભાજી ચોરી જાય છે. એવામાં દલા તરવાડી વાડીમાં આવ્યા.
એમણે શાકભાજી લઇ જવા માટે વાડીની સંમતિ માંગી. પછી જાતે જ વાડી તરીકે જવાબ આપીને શાકભાજી લઇ જવાની સંમતિ આપી.
વશરામ ભુવાએ દલા તરવાડીને પકડ્યા. દલા તરવાડી કહે કે તેઓ ચોરી નથી કરતા પણ વાડીને પૂછીને શાકભાજી લઇ જાય છે.
વશરામ ભુવા આવા ચોર પર બહુ ગુસ્સે થઇ ગયા. એમણે દલા તરવાડીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેઓ દલા તરવાડીને એક કૂવા પાસે લઇ ગયા.
વશરામ ભુવાએ કુવાને પૂછ્યું:
“કૂવા રે ભાઈ કૂવા!"
પછી એમણે જાતે જ કૂવા તરીકે જવાબ આપ્યો:
"હા બોલો વશરામ ભુવા!"
વશરામ ભુવાએ કૂવાને પૂછ્યું:
"ડૂબકી ખવડાવું ત્રણ ચાર?"
પછી એમણે જાતે જ કૂવા તરીકે જવાબ આપ્યો:
"ડૂબકી ખવડાવોને દસ બાર!"
વશરામ ભુવાએ દલા તરવાડીનું મોઢું કૂવાના પાણીમાં દસ બાર વખત ડૂબાડયું. દલા તરવાડી રોવા લાગ્યા અને વશરામ ભુવાને કહેવા લાગ્યા કે ફરી ક્યારેય ચોરી નહીં કરે.
આમ વશરામ ભુવાએ દલા તરવાડીની જ યુક્તિ વાપરીને એમને પાઠ ભણાવ્યો. જેવા સાથે તેવા!
આ પણ વાંચો :