એક બગીચામાં જુદા જુદા વૃક્ષો ઉપર જાત જાતના પક્ષીઓ રહે છે. એક ઝાડ પર એક પોપટનું કુટુંબ અને એક કાગડાનું કુટુંબ રહે છે. એમના બચ્ચાંઓ સાથે સાથે જ મોટા થયા છે. તેઓ ત્યાં જ મોટા થઈને યુવાન બની ગયા.
એક દિવસ પોપટે એની માને કહ્યું કે તે નજીકમાં આવેલા જંગલમાં કમાવા જવા માંગે છે. માને ચિંતા તો થઇ પણ એણે પોપટને જંગલમાં જવા રજા આપી અને થોડા દિવસોમાં જ પાછા આવી જવા કહ્યું.
પોપટ જંગલમાં જઈને એક તળાવ કિનારે આંબાના ઝાડ પર રહેવા લાગ્યો. એ ત્યાં મઝાથી બેસતો, ઝુલા ઝુલતો અને કેરીઓ ખાતો.
એક દિવસ એણે એના ગામના એક ભરવાડને જોયો એટલે એણે એની માને સંદેશ આપવા વિચાર્યું. એણે ખુબ જ નમ્રતાથી ભરવાડને વિનંતી કરી અને ગાવા લાગ્યો:
"ભાઈ ગાયના ગોવાળ, ભાઈ ગાયના ગોવાળ,
મારી માને એટલું કહેજે, મારી માને તેટલું કહેજે,
પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી,
પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ
બેસી મઝા કરે".
ભરવાડે એની ખાતરી આપી કે તે ગામમાં જઈને એની માને એનો સંદેશ આપશે.
પોપટ થોડા દિવસ જંગલમાં રહીને કેરીઓ અને મીઠાં ફળો લઈને ઘરે આવ્યો. તે ગાવા લાગ્યો:
"ઢોલિયા ઢળાવો,
પાથરણાં પાથરવો,
પોપટભાઈ કમાઈને આવ્યા,
પોપટભાઈ કેરીઓ લાવ્યા,
પોપટભાઈ મીઠાં ફળો લઇ આવ્યા".
એણે એની પાંખો ખોલી અને એમાંથી કેરીઓ અને મીઠાં ફળો બહાર કાઢ્યાં. પોપટભાઈની પ્રગતિ જોઇને ઝાડ પર રહેતાં બીજાં પક્ષીઓ બહુ ખુશ થયાં.
આ જોઇને કાગડાના કુટુંબે પણ કાગડાભાઇને જંગલમાં જઈને કાંઇક કમાઈ લાવવા કહ્યું. કાગડો આળસુ હતો એટલે એ જંગલમાં નહોતો જવા માંગતો.
એની માએ એને પરાણે ધકેલ્યો એટલે એણે રડારડ કરી મૂકી અને દુઃખી થઈને ગયો. એ કાદવ કીચડ વાળી ગંદી જગ્યાએ જઈને બેઠો.
એ ગંદકી અને જીવડાં ખાવા લાગ્યો. એણે જયારે એના ગામના ભરવાડને જોયો ત્યારે એની સામે બૂમો પાડીને હુકમ આપતો હોય એમ બોલ્યો:
"એ ગોવાળિયા, એ ગોવાળિયા,
મારી માને જઈને એટલું કહેજે તેટલું કહેજે
કે કાગડો ભૂખ્યો નથી, કાગડો તરસ્યો નથી,
કાગડો કાદવમાં મઝા કરે, કાગડો ગંદકીમાં મઝા કરે".
ભરવાડ કાગડાની ઉદ્ધતાઈ જોઇને ગુસ્સે થઇ ગયો. એણે કાગડાનો સંદેશ લઇ જવાની ના પાડી દીધી.
થોડા દિવસ બાદ કાગડો કાદવ-કીચડ અને ગંદકી લઈને ઘરે આવ્યો. ઘરે આવીને એ બૂમો પાડવા લાગ્યો:
"ઢોલિયા ઢળાવો,
પાથરણાં પથરાવો,
કાગડાભાઇ કમાઈને આવ્યા,
કાગડાભાઇ કાદવ-કીચડ લઇ આવ્યા,
કાગડાભાઇ ગંદકી લઇ આવ્યા".
ઝાડ પર રહેતાં પક્ષીઓ કાગડા ઉપર ખુબ જ ગુસ્સે થઇ ગયા અને કાગડાને ઝાડ પરથી ભગાડી મુક્યો.
આ પણ વાંચો :