એક ગામમાં રવજી નામે એક ખેડૂત રહેતો હતો. એ ખાવાનો ઘણો શોખીન હતો. એની યાદદાસ્ત ઘણી ટૂંકી હતી એટલે એ બધું જલ્દી ભૂલી જતો.
એક દિવસ રવજી બીજા ગામમાં એના મિત્રના ઘરે ગયો. એના મિત્રની પત્નીએ ઢોકળા બનાવ્યાં હતાં. એને ઢોકળા બહુ ભાવ્યાં. રવજીએ ઘરે જઈને એની વહુને રાતે જમવામાં ઢોકળા બનાવવાનું કહેવા નક્કી કર્યું.
રવજી બધી વસ્તુ ભૂલી જતો એટલે સતત "ઢોકળા ઢોકળા..." એમ ગણગણવા લાગ્યો જેથી જયારે એ ઘરે પહોંચે ત્યારે એની પત્નીને શું કહેવાનું છે તે યાદ રહે. ચાલતાં ચાલતાં રસ્તામાં મોટો ખાડો આવ્યો.
રવજીએ ખાડો કૂદી જવાનો પ્રયત્ન કર્યો પણ ખાડો બહુ મોટો હતો. રવજીએ પોતાનો ઉત્સાહ વધારવા "ઠેકું ઠેકું..." એમ બોલવા માંડ્યું (એટલે કે હું આ ખાડો ઠેકી-કૂદી શકીશ). રવજી ખાડો કૂદી તો શક્યો પણ પહેલાં શું બોલતો હતો તે ભૂલી ગયો!!
છેલ્લે એને "ઠેકું" શબ્દ યાદ હતો એટલે એણે ઘરે જઈને એની વહુને "ઠેકું" બનાવવા કહ્યું. રવજીની વહુએ એને કહ્યું કે "ઠેકું" નામની કોઈ ખાવાની ચીજ જ નથી.
પણ રવજીએ તો દલીલો કરી કે એના મિત્રની પત્નીએ તો "ઠેકું" બનાવ્યું હતું. રવજીની વહુએ એને સમજાવવા બહુ કોશિશ કરી પણ આ તો કાંઈ સમજતો જ નહોતો.
રવજી ઘણો ગુસ્સે થઇ ગયો. એની વહુ બૂમો પાડીને રડવા લાગી. પાડોશીઓ એના ઘરે દોડી આવ્યા.
રવજીની વહુ એટલી બધી ગભરાઈ ગઈ હતી કે ઢોકળા જેવી પીળી થઇ ગઈ હતી! પાડોશીઓએ એને કહ્યું કે એને "ઢોકળા" જેવી પીળી કરી દીધી છે. "ઢોકળા" શબ્દ સાંભળીને રવજીને યાદ આવી ગયું કે એ એની વહુને ઢોકળા બનાવવા કહેવાનો હતો!
આમ રવજીને શું ખાવું હતું તે યાદ આવી ગયું અને એની વહુએ એને સ્વાદિષ્ટ ઢોકળા બનાવી આપ્યાં!
આ પણ વાંચો :