એક ગામમાં ગોવિંદ નામના ખેડૂત રહેતા હતા. તે ગામના મુખી હતા.
એક વખત પવિત્ર શ્રાવણ મહીનામાં ગામવાસીઓએ એક કથાનું આયોજન કર્યું. લોકો દિવસ દરમ્યાન કામ કરતા અને સાંજે કથામાં જતા. એક મહાત્મા કથા કહેતા.
એક દિવસ મુખી ગોવિંદ એમના ખેતરે જતા હતા. એમણે જમીન પર એક બોર પડેલું જોયું. એમને બોર ખાવાની ઈચ્છા થઇ ગઈ. એમણે આસપાસ નજર કરી કે કોઈ જોતું તો નથી ને. ત્યાં નજીકમાં કોઈ નહોતું એટલે તેઓ જમીન પરથી બોર ઉપાડીને ખાઈ ગયા.
સાંજે તેઓ ગામના બીજા લોકો સાથે કથા સંભાળવા ગયા. કથા પૂરી થઇ ત્યારે કોઈએ મહારાજને પૂછ્યું કે કાલે શેની કથા કરવાના છો? મહારાજે કહ્યું કે "કાલે તો ગોવિંદના ગુણ ગવાશે". મહારાજનું કહેવું હતું કે "ગોવિંદ" એટલે કે ભગવાન શ્રીકૃષ્ણની કથા કરશે. ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ ગોવિંદ પણ છે.
મુખી ગોવિંદ સમજ્યા કે મહારાજ એમના વિષે વાત કરે છે! એમને લાગ્યું કે નક્કી મહારાજ એમને નીચે પડેલું બોર ખાતા જોઈ ગયા હશે એટલે તેઓ આખા ગામને આ વાત કરવા માંગે છે!
આથી મુખીએ મહારાજને ભેટ આપીને ખુશ કરવા નક્કી કર્યું. મુખી મહારાજને મળવા ગયા અને ફળો ધર્યા. મુખીએ વિચાર્યું કે હવે મહારાજ કોઈને એમની વાત નહીં કરે.
ફરીવાર કથાને અંતે કોઈએ મહારાજને પૂછ્યું કે બીજે દિવસે તેઓ શેની કથા કહેશે? મહારાજે કહ્યું કે તેઓ ગોવિંદની (ભગવાન શ્રીકૃષ્ણની) કથા કહેશે.
મુખી ગોવિંદ સમજ્યા કે મહારાજને હજી વધારે ભેટ આપવી પડશે જેથી તેઓ પોતાની વાત ન કરે. આથી મુખીએ મહારાજને વસ્ત્રો આપ્યા.
આવું રોજ થોડા દિવસ ચાલ્યું. મહારાજ ગોવિંદ એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ વિષે કહેતા હતા જયારે મુખી ગોવિંદ સમજતા કે મહારાજ આ રીતે એમને ધમકી આપે છે કે તેઓ એમની વાત બધાને કહી દેશે. આથી મુખી મહારાજને ફળો,વસ્ત્રો,પૈસા વિ. ભેટ આપ્યે જ ગયા.
થોડા દિવસ પછી મુખીએ વિચાર્યું કે મહારાજ તરફથી મળતી આ "ધમકીઓ"નો અંત લાવવો જ પડશે. કથાને અંતે મહારાજે જયારે કહ્યું કે તેઓ ગોવિંદની કથા કહેશે ત્યારે મુખી ગોવિંદ એમની સામે ગુસ્સે થઇ ગયા.
એમણે જાતે જ એમની વાત ગામ લોકોને કહી. એમણે કહ્યું કે એક દિવસ એમણે નીચે પડેલું બોર ખાધું હતું અને કદાચ આ મહારાજ તે જોઈ ગયા હશે.
ત્યારથી રોજ મહારાજ "ગોવિંદના ગુણ ગવાશે, ગોવિંદના ગુણ ગવાશે..." એમ કહેતા એમને ધમકી આપે છે કે આ વાત બધાને કહી દેશે.
ગામ લોકોએ મહારાજને પૂછ્યું કે આ સાચી વાત છે? મહારાજ કહે કે એમને તો આવી કોઈ વાતની ખબર જ નથી.તેઓ તો "ગોવિંદના ગુણ" એટલે ભગવાન શ્રીક્રષ્ણની કથા વિષે કહેતા હોય છે.
આ પણ વાંચો :