ગુજરાતી વાર્તા : ખડબડ ખાં

Shayar
0

 

એક રાજા હતો. એ ઘણો જ સારો રાજા હતો. એના રાજયમાં બધા બહુ જ સુખી હતા. એ રોજ રાતે નગરચર્યા કરવા નીકળતો. એક રાતે એ રસ્તો ભૂલી ગયો. એ એક ઘરડા માજીના ઘરે ગયો. રાજાએ વેશપલટો કર્યો હોવાથી માજી રાજાને ઓળખી ન શક્યાં. રાજાએ પાણી માગ્યું એટલે માજીએ એને પાણી આપ્યું. એ વખતે માજીની નજર રાજાના હાથ પર પડી. એમણે વીંટી જોઈ એટલે તરત રાજાને ઓળખી ગયાં.

માજીએ રાજાને કટાઈ ગએલી, તૂટેલી બાલદી આપી. રાજાને થયું કે માજી મને ઓળખતાં નથી એટલે આવી તૂટેલી ચીજ આપે છે. રાજાએ બાલદીને એક કપડામાં વીંટાળી. બાલદીનો એક ટુકડો તૂટી ગયો. રાજાએ એને ઘસ્યો તો એમાંથી ધુમાડો નીકળ્યો અને એક વિચિત્ર જેવો માણસ પ્રગટ થયો. આ માણસ ઘડીકમાં ખુબ જ ઉંચો થઇ જાય તો ઘડીકમાં એકદમ નીચો થઇ જાય. ઘડીકમાં ખુબ જ જાડો થઇ જાય તો ઘડીકમાં એકદમ પાતળો થઇ જાય.

આ વાર્તા પણ વાંચવા જેવી છે : રંગીલા રળિયા કાકા

રાજાએ આવા અજાયબ માણસને પૂછ્યું, "તું કોણ છે?"

વિચિત્ર માણસે કહ્યું, "મારું નામ ખડબડ ખાં છે. હું ઉંચો, નીચો, જાડો, પાતળો થઇ શકું છું. હું તારું કોઈ પણ કામ કરી શકું".

રાજા ખડબડ ખાંને પોતાની સાથે લઇ ગયા. રાજાએ એમને કહ્યું કે મારો બગીચો સાફ કરી આપો. ખડબડ ખાંએ તરત જ બગીચો એકદમ સુંદર કરી આપ્યો. રાજાએ ક્યારેય આવો સુંદર બગીચો નહોતો જોયો. રાજા એમને ખુબ જ માનપાન આપવા લાગ્યા.

રાજાની હજામત કરવા આવતા હજામને આ ન ગમ્યું. એણે રાજાને કહ્યું કે તમે ખડબડ ખાંને કહો કે હિમાલયમાં થતું જીવતું ઝાડ, ગાતું પક્ષી લઇ આવે. રાજાએ ખડબડ ખાંને કહ્યું તો એ કહે કે આ તો બહુ જ મુશ્કેલ છે. રાજા કહે કે તમે નહીં લાવો તો હું ખાવા-પીવાનું છોડી દઈશ. ખડબડ ખાં હિમાલય જવા ઉપડયા.

ખડબડ ખાં ખુબ જ ઊંચા થઇ ગયા અને લાંબા પગલાં ભરતા હિમાલય પહોંચી ગયા. ત્યાં ગામ લોકોને જીવતા ઝાડ, ગાતા પક્ષી વિષે પૂછ્યું તો ગામ લોકો કહે કે એની આસપાસ ભયંકર રાક્ષસો રહે છે. તમે બેહોશીનું અત્તર લઇ જાવ અને રાક્ષસોને બેભાન કરી દેજો. ખડબડ ખાં એકદમ નીચા થઇ ગયા અને જીવતા ઝાડ પાસે ગયા. એમણે રાક્ષસો પર બેહોશીનું અત્તર નાખ્યું અને એમને બેભાન કરી દીધા. પણ એક કાણો રાક્ષસ જલ્દી બેભાન ન થયો એ બધું જોઈ ગયો. ખડબડ ખાં જીવતું ઝાડ અને ગાતું પક્ષી લઈને ભાગ્યા એ કાણો રાક્ષસ જોઈ ગયો. ખડબડ ખાંએ રાજાને જીવતું ઝાડ અને ગાતું પક્ષી આપ્યાં એટલે રાજા તો ઘણો ખુશ થઇ ગયો. ખડબડ ખાંના માનપાન ઘણા વધી ગયા.

આથી હજામ વધારે ખિજાયો. એણે રાજાને ચઢાવ્યો કે તમે હજી કુંવારા છો તો ખડબડ ખાંને કહો કે તમારા માટે હિમાલયથી પદમણી લઇ આવે. રાજાએ ખડબડ ખાંને કહ્યું તો એ કહે કે આ તો બહુ જ મુશ્કેલ છે. રાજા રિસાઈ ગયો એટલે ખડબડ ખાં રાજા માટે પદમણી લેવા હિમાલય ગયા. ત્યાં ગામ લોકો એમને જોઇને રાજી રાજી થઇ ગયા. એમણે કહ્યું કે પદમણી તો અમારા રાજાની કુંવરી છે. એને હાથીઓ ઉપાડી ગયા છે. ખડબડ ખાં એકદમ નીચા થઇ ગયા અને હાથીઓ પાસે ગયા. એક મોટા હાથીએ પદમણીને એના કાનમાં રાખી હતી. ખડબડ ખાંએ હાથીઓ પર બેહોશીનું અત્તર નાખ્યું અને એમને બેભાન કરી દીધા. હાથીને ખબર ન પડે એ માટે ખડબડ ખાંએ પદમણીના વજન જેટલા વજનની લોટની ગુણી એના કાનમાં મૂકી દીધી. પછી પદમણીને પોતાની સાથે લઇ ગયા. રાજા સાથે પદમણીના લગ્ન કરાવ્યા.

રાજા રાણી સુખેથી રહેવા લાગ્યા. એવામાં એક નવી મુસીબત આવી પડી. પેલો કાણો રાક્ષસ જે ખડબડ ખાંને જોઈ ગયો હતો તે એમને શોધતો શોધતો આવી પહોંચ્યો. તે સાધુનો વેશ લઈને ગામ બહાર રહેવા લાગ્યો. ત્યાં આવતા લોકોને અને પશુઓને મારતો હતો. આ તકનો લાભ લઈને હજામે ખડબડ ખાંને મારી નાખવાનું નક્કી કર્યું. રાક્ષસને મળીને એણે એક યોજના કરી.

હજામે રાજાને કહ્યું કે ગામ બહાર એક સાધુ આવ્યા છે એના આશીર્વાદ લેવા જાવ. ખડબડ ખાંને પણ લઇ જાવ. રાજા ખડબડ ખાંને લઈ ગયા. રાક્ષસ તો આ તકની જ રાહ જોતો હતો. એણે રાજાને કહ્યું કે હું તમારા રાજયની શાંતી માટે એક હવન કરીશ. રાક્ષસે હવન કર્યો અને રાજાને તથા ખડબડ ખાંને અગ્નિકુંડના ફેરા ફરવા કહ્યું. એનો ઈરાદો ખડબડ ખાંને અગ્નિમાં નાંખી દેવાનો હતો. પણ ખડબડ ખાં ચેતી ગયા. તેઓ એકદમ ઊંચા અને જાડા બની ગયા. એમણે રાક્ષસને ઉપાડીને આગમાં નાંખી દીધો.

હવે ખડબડ ખાં સમજી ગયા હતા કે હજામ જ આવા કાવતરાં કરે છે. એમણે તક મળતાં જ હજામને ભગાડી મુક્યો. પછી એમણે પાછા જવા માટે રાજાની અનુમતિ માંગી. રાજા તો એમને હંમેશા પોતાની સાથે જ રાખવા માંગતા હતા. પરંતુ ખડબડ ખાંએ કહ્યું કે તેઓ કાયમ ત્યાં ન રહી શકે. ભવિષ્યમાં કોઈ મુસીબત આવે ત્યારે બોલાવજો. ખડબડ ખાંએ વિદાય લીધી. રાજા રાણી આનંદથી રહેવા લાગ્યા.
આ વાર્તા પણ વાંચો : લપોડ શંખ

Post a Comment

0Comments

Post a Comment (0)